આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


થાયે અમારો જય તેમનો વા--
શામાં અમારું હિત તે ન સૂઝે;
જેને હણીને જીવવુંતે ગમે ના,
સામા ખડા તે ધૃતરાષ્ટ્ર—પુત્રો. ॥૬॥

સ્વભાવ મેટ્યો મુજ રાંકભાવે,
ન ધર્મ સૂઝે, તમને હું પૂછું;
બોધો મ’ને નિશ્ચિત શ્રેય જેમાં,
છું શિષ્ય, આવ્યો શરણે તમારે. [૧]॥૭॥

           
સમૃદ્ધ ને શત્રુ વિનાનું રાજ્ય
મળે જગે કે સુરલોકમાંયે;
તોયે ન દેખું કંઈ શોક ટાળે
મારી બધી ઇંન્દ્રિય તાવનારો. ॥૮॥

સંજય બોલ્યા—
પરંતપ, ગુડાકેશે આમ ગોવિંદને કહી,
“હું તો નહીં લડું” એવું બોલી મૌન ધર્યું પછી. ॥૯॥

આમ બે સૈન્યની વચ્ચે ખેદે વ્યાપેલ પાર્થને
હસતાં –શું હ્રષીકેશે આવાં ત્યાં વચનો કહ્યાં -- ॥૧૦॥

શ્રી ભગવાન બોલ્યા—
ન ઘટે ત્યાં કરે શોક, ને વાતો જ્ઞાનની વદે !
પ્રાણો ગયા—રહ્યા તેનો જ્ઞાનીઓ શોક ના કરે. ॥૧૧॥


  1. [ગીતામાં જ્યાં જ્યાં સ્વભાવ શબ્દ આવે ત્યાં ત્યાં તેના પૂરા અર્થમાં સમજવા જોઈએ. એટલે કે પોતાનોમૂળ ભાવ, અસલ પ્રકૃતિ. જેમ કે, અહીં ક્ષત્રિયપણાનો.]