આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


હું તું કે આ મહીપાળો, પૂર્વે ક્યારે હતા નહીં,
ન હઈશું ભવિષ્યેયે એમ તું જાણતો રખે. ૧૨

દેહીને દેહમાં આવે બાળ, જોબન ને જરા,
તેમ આવે નવો દેહ, તેમાં મૂંઝાય ધીર ના. ૧૩

સ્પર્શાદિ વિષયો જાણ શીતોષ્ણ-સુખદુ:ખમાં,
અનિત્ય, જાય ને આવે, તેને, અર્જુન લે સહી. ૧૪

તે પીડી ન શકે જેને, સમ જે સુખદુ:ખમાં,
તે ધીર માનવી થાય પામવા યોગ્ય મોક્ષને. ૧૫

અસત્યને ન અસ્તિત્વ, નથી નાશેય સત્યનો;
નિહાળ્યો તત્ત્વદર્શીએ આવો સિદ્ધાંત બેઉનો. ૧૬

જાણજે અવિનાશી તે જેથી વિસ્તર્યું આ બધું;
તે અવ્યય તણો નાશ કોઈયે ના કરી શકે. ૧૭

અવિનાશે, પ્રમાતીત, નિત્ય દેહીતણા કહ્યાં
શરીરો અંતવાળાં આ તેથી તું ઝૂઝ, અર્જુન. ૧૮

જે માને , કે હણે છે તે, જે માને તે હણાય છે.
બંનેયે તત્ત્વ જાણે ના, હણે ના તે હણાય ના. ૧૯
           
ન જન્મ પામે, ન કદાપિ મૃત્યુ,
ન્હોતો ન તે કે ન હશે ન પાછો;
અજન્મ, તે નિત્ય, સદા, પુરાણ,
હણ્યે શરીરે ન હણાય તે તો.[૧]૨૦


  1. [(2) ભૂતકાળમાં તે ‘નહોતો’ કે ભવિષ્યકાળમાં ‘ન હશે ’એમ એને માટે કહી ન શકાય. તેથી એ ભૂતમાં ‘હતો’ અને ભવિષ્યમાં ‘હશે’ એમ પણ ન કહેવાય. ‘છે’ એજ એને માટે યોગ્ય શબ્દ(3) નિત્ય—દિવસ-રાત, ઋતુઓ, મરણ, વગેરે કેટલીક બાબતો નિત્ય છે, એટલે એને વખતે આવ્યા વિના નહીં રહે એવી છે. પણ સદા, એટલે સતત,શાશ્વત, સનાતન કે નિરંતર અને અખંડ નથી. આત્મા સદા છે. સદાને નિત્ય પણ કહી શકાય, માટે આત્મા નિત્ય તેમ જ સદા છે. ]