આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


આશ્ચર્ય શું અન્ય સુણેય કોઈ,
સુણ્યા છતાં કો સમજે ન તેને. ૨૯

સદા અવધ્ય તે દેહી સઘળાના શરીરમાં;
કોઈયે ભૂતનો તેથી તને શોક ઘટે નહીં. ૩૦

વળી, સ્વધર્મ જોતાંયે ન તારે ડરવું ઘટે;
ધર્મયુદ્ધ થકી બીજું શ્રેત ક્ષત્રિયને નથી. ૩૧

અનાયાસે ઉઘાડું જ સ્વર્ગનું દ્વાર સાંપડ્યું;
ક્ષત્રિયો ભાગ્યશાળી જે તે પામે યુદ્ધ આ સમું. ૩૨

માટે આ ધર્મસંગ્રામાઅવો જો ન કરીશ તું,
તો તું સ્વધર્મ ને કીર્તિ છાંડી પામીશ પાપ ને. ૩૩

અખંડ કરશે વાતો લોકો તારી અકીર્તિની;
માની પુરુષને કાજે અકીર્તિ મૃત્યુથી વધુ. ૩૪

ડરીને રણ તેં ટાળ્યું માનશે સૌ મહારથી;
રહ્યો સન્માન્ય જેઓમાં તુચ્છ તેને જ તું થશે. ૩૫

ન બોલ્યાના ઘણા બોલ બોલશે તુજ શત્રુઓ;
નિંદશે તુજ સામર્થ્ય, તેથી દુ:ખ કયું વધું? ૩૬

હણાયે પામશે સ્વર્ગ, જીત્યે ભોગવશે મહી;
માટે, પાર્થ, ખડો થા તું, યુદ્ધાર્થે દૃઢનિશ્ચયે. ૩૭

લાભ-હાનિ સુખો-દુ:ખો, હાર-જીત કરી સમ,
પછી યુદ્ધાર્થ થા સજ્જ, તો ના પાપ થશે તને. ૩૮