આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


કહી આ સાંખ્યની બુદ્ધિ, હવે સાંભળ યોગની;
જે બુદ્ધિથી થયે યુક્ત તોડીશ કર્મબંધન. ૩૯

આદર્યું વણસે ના ને વિઘ્ન ના ઊપજે અહીં;
સ્વલ્પે આ ધર્મનો અંશ ઉગારે ભયથી વડા. ૪૦

એમાં મનુષ્યની બુદ્ધિ એક નિશ્ચયમાં રહે;
અનંત, બહુ શાખાળી બુદ્ધિ નિશ્ચયહીનની. ૪૧

અલ્પબુદ્ધિજનો, પાર્થ કામ-સ્વર્ગ-પરાયણ,
વેદવાદ વિષે મગ્ન, આવી જે કર્મકાંડની ૪૨

જન્મ-કર્મ-ફળો દેતી, ભોગ-ઐશ્વર્ય સાધતી
વાણીને ખીલવી બોલે, “આથી અન્ય કશું નથી.” ૪૩

ભોગ-ઐશ્વર્યમાં ચોંટ્યા, હરાઈ બુદ્ધિ તે વડે,--
તેમની બુદ્ધિની નિષ્ઠા ઠરે નહીં સમાધિમાં. ૪૪

ત્રિગુણાત્મક વેદાર્થો[૧], થા ગુણાતીત, આત્મવાન,
નિશિત યોગ ને ક્ષેમે, નિર્દ્વંદ, નિત્ય—સત્વવાન્ ૪૫


નીર- ભરેલ સર્વત્ર તળાવે કામ જેટલું,
તેટલું સર્વ વેદોમાં વિજ્ઞાની બ્રહ્મનિષ્ઠને. [૨] ૪૬

કર્મે જ અધિકારી તું, ક્યારેય ફળનો નહીં,
મા હો કર્મફળે દૃષ્ટિ, મા હો રાગ અકર્મમાં. ૪૭

કર યોગે રહી કર્મ, તેમાં આસક્તિને ત્યજી;
યશાયશ સમા માની,--સમતા તે જ યોગ છે. ૪૮


  1. [વેદાર્થો—વેદના વિષયો.]
  2. (૧) બે અર્થ કરાય છે: ૧. બધે પાણીથી ભરેલા તળાવનું કેટલું કામ? ઉત્તર—ખપ જેટલું. અને ૨. બધે જ પાણી ભર્યું હોય પછી તળાવનું કેટલું કામ? ઉત્તર- મુદ્દલ નહીં. એ પ્રમાણે બ્રહ્મનિષ્ઠને વેદોનો ખપ કેટલો? કેટલાક પહેલો ઉત્તર આપે છે તો વળી કેટલાક બીજો. મને પહેલો અર્થ વધારે ઠીક લાગે છે.