આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અત્યંત હીન તો કર્મ બુદ્ધિયોગ થકી ખરે;
શરણું બુદ્ધિમાં શોધ, રાંક જે ફળ વાંછતા. [૧] ૪૯

બુદ્ધિયોગી અહીં છોડે પાપ ને પુણ્ય બેઉયે;
માટે થા યોગમાં યુક્ત, કર્મે કૌશલ્ય યોગ છે. [૨] ૫૦

બુદ્ધિયોગી વિવેકી તે, ત્યાગીને કર્મનાં ફ્ળો,
જન્મબંધનથી છૂટી પોં’ચે નિર્દોષ ધામને. ૫૧

મોહનાં કળણો જ્યારે તારી બુદ્ધિ તરી જશે;
સુણ્યું ને સુણવું બાકી બી નિર્વેદ આવશે. [૩] ૫૨

બહુ સુણી ગૂંચાયેલી તારી બુદ્ધિ થશે સ્થિર,
અચંચળ, સમાધિસ્થ, ત્યારે તું યોગ પામશે. ૫૩
           
અર્જુન બોલ્યા—
સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ, કેશવ?
બોલે, રહે, ફરે કેમ, મુનિ જે સ્થિરબુદ્ધિનો? ૫૪
           
શ્રીભગવાન બોલ્યા—
મનની કામના સર્વે છોડીને, આત્મમાં જ જે
રહે અંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રજ્ઞ જાણવો. ૫૫


  1. (૨) બુદ્ધિનો સામાન્ય અર્થ જ્ઞાન થાય છે. પણ ગીતામાં તે સમતાની બુદ્ધિ(નિષ્ઠા) ના ખાસ અર્થમાં વપરાયો છે. અર્જુનના ધ્યાનમાં એ આવતું નથી એમ કલ્પના કરી, એ સાફ કરવા માટે ૩જા અને ૫મા અધ્યાયની ચર્ચા ઊભી કરી છે. બુદ્ધિ -૦યોગ, ૦યોગી= યોગી, યુક્ત-યોગયુક્ત, એ બધા શબ્દોમાં સમતાની બુદ્ધિ અને સમતાનો યોગ જ સમજવું. અયોગી, અયુક્ત વગેરેશબ્દોના અર્થ તેથી ઊલટા.
  2. (૩) કૌશલ્ય= (૧) નિર્વિઘ્નતા;(૨) નિપુણતા; સમતાની બુદ્ધિજ કર્મયોગમાં નિર્વિઘ્નતા છે, અને તેથીતે જ સાચી નિપુણતા છે. કેટલાક એમ પણ અર્થ કરે છે કે, કર્મમાં નિપુણતા એ જ યોગ છે. એટલો જ અર્થ બરાબર નથી. પણ નિપુણતા વિનાનું કર્મ વિધિયુક્ત-શાસ્ત્રીય રીતે થયેલું –ન હોવાથી, તેને કર્મ જ ન કહેવાય. એ અકર્મ થાય. એટલે નિપુણતાયે કર્મયોગમાં જરૂરની છે જ.
  3. (૪) બેએ= બેઉમાં.