આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


દુ:ખે ઉદ્વેગ ના ચિત્તે, સુખોની ઝંખના ગઈ;
ગયા રાગ-ભય-ક્રોધ, મુનિ તે સ્થિરબુદ્ધિનો. ૫૬

આસક્ત નહીં જે ક્યાંય, મળ્યે કાંઈ શુભાશુભ;
ન કરે હર્ષ કે દ્વેષ તેની પ્રજ્ઞા થઈ સ્થિર. ૫૭

કાચબો જેમ અંગોને, તેમ જે વિષયોથકી
સંકેલે ઇંદ્રિયો પૂર્ણ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર ૫૮

નિરાહારી શરીરીના ટળે છે વિષયો છતાં,
રસ રહી જતો તેમાં, તે ટળે પેખતાં પરં. ૫૯

પ્રયત્નમાં રહે તોયે શાણાયે નરના હરે
મનને ઇન્દ્રિયો મસ્ત વેગથી વિષયો ભણી. ૬૦

યોગથી તે વશે રાખી રહેવું મત્પરાયણ,
ઇન્દ્રિયો સંયમે જેની, તેની પ્રજ્ઞા થઈ સ્થિર. ૬૧

વિષયોનું રહે ધ્યાન તેમાં આસક્તિ ઊપજે,
જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નીપજે. ૬૨

ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિ ને હરે;
સ્મૃતિલોપે બુદ્ધિનાશ, બુદ્ધિનાશે વિનાશ છે. ૬૩

રાગ ને દ્વેષ છૂટેલી ઇન્દ્રિયે વિષયો ગ્રહે
વશેન્દ્રિય સ્થિરાત્મા જે, તે પામે છે પ્રસન્નતા. ૬૪

પામ્યે પ્રસન્નતા તેનાં દુ:ખો સૌ નાશ પામતાં;
પામ્યો પ્રસન્નતા તેની બુદ્ધિ શીઘ્ર બને સ્થિર. ૬૫