આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અયોગીને નથી બુદ્ધિ, અયોગીને ન ભાવના;
ન ભાવહીનને શાંતિ, સુખ ક્યાંથી અશાંતને? ૬૬

ઇન્દ્રિયો વિષયે દોડે, તે પૂઠે જે વહે મન,
દેહીની તે હરે બુદ્ધિ, જેમ વા નાવને જળે. ૬૭

તેથી જેણે બધી રીતે રક્ષેલી વિષયોથકી
ઇન્દ્રિયો નિગ્રહે રાખી, તેની પ્રજ્ઞા થઈ સ્થિર. ૬૮

નિશા જે સર્વ ભૂતોની, તેમાં જાગ્રત સંયમી,
જેમાં જાગે બધાં ભૂતો, તે જ્ઞાની મુનિની નિશા. ૬૯

સદા ભરાતા અચલપ્રતિષ્ઠ
સમુદ્રમાં નીર બધાં પ્રવેશે;
જેમાં પ્રવેશે સહુ કામ તેમ,
તે શાંતિ પામે નહીં કામકામી. [૧] ૭૦

છોડીને કામના સર્વે ફરે જે નર નિસ્પૃહ,
અહંતા-મમતા મૂકી, તે પામે શાંતિ, ભારત. ૭૧

આછે બ્રહ્મદશા એને પામ્યે ના મોહમાં પડે;
અંતકાળેય તે રાખી બ્રહ્મનિર્વાણ મેળવે. ૭૨


  1. [સહેજ ફેર સાથે આ શ્લોકના પણ બે અર્થો શક્ય છે. (૧) “સદા ભરાતા(અને) અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં (જેમ) બધાં નીર પ્રવેશે છે, તેમ જેમાં સહુ કામ પ્રવેશે, તે કામકામી શાંતિ પામે નહીં.)” ત્યારે કોણ પામે, તે માટે ૭૧મો શ્લોક જુઓ. (૨) “સદા ભરાતા(છતાં) અચળ પ્રતિષ્ઠ... તે શાંતિ પામે. કામકામી નહીં (પામે).” ]