આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અધ્યાય ૩ જો
કર્મ સિદ્ધાન્ત


અર્જુન બોલ્યા--
 જો તમે માનતા એમ, કર્મથી બુદ્ધિ તો વડી,
તો પછી ઘોર કર્મોમાં જોડો કેમ તમે મને? ૧

 મિશ્રશાં વાક્યથી, જાણે, મૂંઝવો મુજ બુદ્ધિને;
 તે જ એક કહો નિશ્ચે, જે વડે શ્રેય પામું હું. ૨

 શ્રી ભગવાન બોલ્યા—
બે જાતની કહી નિષ્ઠા આ લોકે પૂર્વથી જ મેં;
સાંખ્યની જ્ઞાનયોગે ને યોગીની કર્મયોગથી. ૩

કર્મ ન આદરે તેથી નિષ્કર્મી થાય ના જન;
ન તો કેવળ સંન્યાસે મેળવે પૂર્ણ સિદ્ધિને. ૪

 રહે ક્ષણેય ના કોઈ ક્યારે કર્મ કર્યા વિના;
 પ્રકૃતિના ગુણે સર્વે અવશે કર્મ આચરે. ૫

રોકી કર્મેન્દ્રિયો રાખે, ચિત્તમાં સ્મરતો રહે
વિષયોને મહામૂઢ – મિથ્યાચાર ગણાય તે. ૬