આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


મનથી ઈંદ્રિયો નીમી આસક્તિવિણ આચરે,
કર્મેન્દ્રિયે કર્મયોગ, તે મનુષ્ય વિશેષ છે. ૭

નીમેલાં કર કર્મો તું, ચડે કર્મ અકર્મથી;
ન તારી દેહયાત્રાયે સિદ્ધ થાય અકર્મથી. ૮

વિના યજ્ઞાર્થ કર્મોથી આલોકે કર્મબંધન
માટે આસક્તિને છોડી યજ્ઞાર્થે કર્મ આચર. [૧]

યજ્ઞ સાથ પ્રજા સર્જી બ્રહ્મા પૂર્વે વદ્યા હતા:--
“વધજો આ થકી, થાજો તમારી કામધેનુ આ ૧૦

દેવોને રીઝવો આથી, રીઝવો તમનેય તે;
અન્યોન્ય રીઝવી એમ, પરમ શ્રેય મેળવો. ૧૧

રીઝેલા યજ્ઞથી દેવો આપશે ઇષ્ટ ભોગને;
તેઓ દે, તેમને ના દે, તેવો ખાનાર ચોર છે. ” ૧૨

યજ્ઞશેષ જમી સંતો છૂટે છે સર્વ પાપથી
પોતા માટે જ જે રાંધે, તે પાપી પાપ ખાય છે. [૨] ૧૩

અન્નથી ઊપજે જીવો; વૃષ્ટિથી અન્ન નીપજે;
 યજ્ઞથી થાય છે વૃષ્ટિ; કર્મથી યજ્ઞ ઉદ્ ભવે; ૧૪

બ્રહ્મથી ઊપજ્યું કર્મ; બ્રહ્મ અક્ષરથી થયું;
સર્વવ્યાપક તે બ્રહ્મ આમ યજ્ઞે સદા રહ્યું. [૩] ૧૫

લોકે આવું પ્રવર્તેલું ચક્ર જ ચલવે નહીં,
ઇંદ્રિયારામ તે પાપી વ્યર્થ જીવન ગાળતો. ૧૬


  1. [આચર: ગીતામાં આને બદલે ઘણું ખરું સમાચર શબ્દ છે તે ગુજરાતીમાં મૂકી શકાયો નથી. એટલે ‘આચર’નો અર્થ માત્ર ‘કરવું એમ ન સમજવો, પણ સારી રીતે કરવું(જુઓ ૩-૨૬ પણ)’]
  2. [યજ્ઞશેષ: યજ્ઞની પ્રસાદી. પાપ: આ શબ્દ અહીં લગભગ વિષ્ટાસૂચક છે.]
  3. [બ્રહ્મ= મહત્ તત્ત્વ, ચિત્ત; પ્રકૃતિનો પહેલો વિકાર. અક્ષર= આત્મા. પંક્તિ બીજીમાં બ્રહ્મ= આત્મા. ]