આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


આત્મામાં જ રમે જેઓ, આત્માથી તૃપ્ત જે રહે,
આત્મામાંહે જ સંતુષ્ટ, તેને કો’ કાર્ય ના રહ્યું. ૧૭

કરે કે ન કરે તેથી તેને કો’ હેતુ ના જગે;
કોઈયે ભૂતમાં તેને કશો સ્વાર્થ રહ્યો નહીં. ૧૮

તેથી થઈ અનાસક્ત આચર કાર્ય કર્મને, [૧]
અસંગે આચરી કર્મ શ્રેયને પામતો નર. ૧૯

કર્મ વડે જ સંસિદ્ધિ મેળવી જનકાદિએ;
લોકસંગ્રહ પેખીયે તને તે કરવાં ઘટે. ૨૦

શ્રેષ્ઠ લોકો કરે જે જે , તે જ અન્ય જનો કરે;
તે જેને માન્યતા આપે, તે રીતે લોક વર્તતા. ૨૧

ત્રણે લોકે મ’ને કાંઈ બાકી રહ્યું નથી;
અપામ્યું પામવા જેવું , તોયે હું વર્તું કર્મમાં. ૨૨

કદાચે જો પ્રવર્તું ના કર્મે આળસને ત્યજી,
અનુસરે મનુષ્યોયે સર્વથા મુજ માર્ગને. ૨૩

પામે વિનાશ આ સૃષ્ટિ જો હું કર્મ ન આચરું;
થાઉં સંકરનો કર્તા, મેટનારો [૨]પ્રજાતણો. ૨૪
 
જેમ આસક્તિથી કર્મ અજ્ઞાની પુરુષો કરે;
તેમ જ્ઞાની અનાસક્ત, લોકસંગ્રહ ઇચ્છતો. ૨૫

કર્મે આસક્ત અજ્ઞોનો, કરવો બુદ્ધિભેદ ના;
જ્ઞાનીએ આચરી યોગે શોધવાં સર્વ કર્મને. ૨૬


  1. [કાર્યકર્મ: કર્તવ્યરૂપ કર્મ]
  2. [મેટનારો—ઉપહન્ માટે ‘મેટવું’ શબ્દ વાપર્યો છે.]