આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પ્રકૃતિના ગુણોથી જ સર્વે કર્મો સદા થતાં,
અહંકારે બની મૂઢ માને છે નર, ‘હું કરું.’ ૨૭

ગુણકર્મ વિભાગોના તત્ત્વને જાણનાર તો
‘ગુણો વર્તે ગુણોમાંહી’—જાણી આસક્ત થાય ના. ૨૮

પ્રકૃતિના ગુણે મૂઢ ચોંટે છે ગુણ કર્મમાં;
તેવા અલ્પજ્ઞ મંદોને જ્ઞાનીએ ન ચળાવવા. ૨૯

મારામાં સર્વ કર્મોને અર્પી અધ્યાત્મબુદ્ધિથી,
આશા ને મમતા છોડી, નિર્વિકાર થઈ લડ. ૩૦

મારા આ મતને માની વર્તે જે માનવો સદા,
શ્રદ્ધાળુ, મન નિષ્પાપ, છૂટે તેઓય કર્મથી. ૩૧

મનમાં પાપ રાખી જે મારા મતે ન વર્તતા,
સકલજ્ઞાનહીણા તે અબુદ્ધિ નાશ પામતા. ૩૨

જેવી પ્રકૃતિ પોતાની જ્ઞાનીયે તેમ વર્તતો;
સ્વભાવે જાય છે પ્રાણી, નિગ્રહે કેટલું વળે? ૩૩

ઇન્દ્રિયોને સ્વાર્થોમાં રાગ ને દ્વેષ જે રહે,
તેમને વશ થાવું ના, દેહીના વાટશત્રુ તે. ૩૪

રૂડો સ્વધર્મઊણોયે સુસેવ્યા પરધર્મથી;
સ્વધર્મે મૃત્યુયે શ્રેય, પરધર્મ ભયે ભર્યો. ૩૫