આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અર્જુન બોલ્યા--
તો પછી નર કોનાથી પ્રેરાઈ પાપ આચરે,--
ન ઇચ્છતાંય, જાણે કે હોય જોડાયેલો બળે? ૩૬

શ્રીભગવાન બોલ્યા--
એ તો કામ તથા ક્રોધ,[૧] જન્મ જેનો રજોગુણે,
મહાભક્ષી મહાપાપી, વેરી તે જાણજે જગે. ૩૭

ધુમાડે અગ્નિ ઢંકાય, રજે ઢંકાય દર્પણ,
ઓરથી ગર્ભ ઢંકાય,તેમ જ જ્ઞાન કામથી. ૩૮

કામરૂપી મહાઅગ્નિ, તૃપ્ત થાય નહીં કદી,
તેનાથી જ્ઞાન ઢંકાયું,જ્ઞાનીના નિત્યશત્રુ તે. ૩૯

ઇન્દ્રિયો, મન ને બુદ્ધિ, કામનાં સ્થાન સૌ કહ્યાં;
તે વડે જ્ઞાન ઢાંકી તે પમાડે મોહ જીવને. ૪૦

તે માટે નિયમે પ્હેલાં લાવીને ઇન્દ્રિયો બધી,
જ્ઞાનવિજ્ઞાનઘાતી તે પાપીને કર દૂર તું. ૪૧

ઇન્દ્રિયોને કહી સૂક્ષ્મ, સૂક્ષ્મ ઇન્દ્રિયથી મન,
મનથી સૂક્ષ્મ છે બુદ્ધિ, બુદ્ધિથી સૂક્ષ્મ તે[૨] રહ્યો. ૪૨

એમ બુદ્ધિપરો જાણી, આપથી આપ નિગ્રહી,
દુર્જય કામરૂપી આ વેરીનો કર નાશ તું. ૪૩


  1. [શ્લોક૩૪માં અહીં રાગદ્વેષ શબ્દ છે, તે જ અર્થમાં કામક્રોધ સમજવા. મહાભક્ષી: મોટો ખાઉધરો. ]
  2. [તે: કેટલાક આનો અર્થ ‘આત્મા’ કરે છે; કેટલાક ‘કામ’ મને બીજો ઠીક લાગે છે.]