આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અધ્યાય ૪થો
જ્ઞાન દ્વારા કર્મનો સંન્યાસ


શ્રી ભગવાન બોલ્યા–
પૂર્વે આ અવ્યયી યોગ મેં વિવસ્વાનને કહ્યો,
તેણે તે મનુને ભાખ્યો, તેણે ઇક્ષ્વાકુને કહ્યો ૧

એમ પરંપરાથી તે જાણ્યો રાજર્ષિએ ઘણા,
લાંબે કાળે પછી લોકે લોપ તે યોગનો થયો. ૨

તે જ મેં આ તને આજે કહ્યો યોગ પુરાતન,
ભકત મારો, સખાયે તું, ને આ રહસ્ય ઉત્તમ. ૩

અર્જુન બોલ્યા—
પૂર્વે જન્મ્યા વિકસ્વાન, તમારો જન્મ હાલનો;
તો કેમ માનું કે તેને તમે જ આદિમાં કહ્યો ? ૪

શ્રીભગવાન બોલ્યા–
વીત્યા જન્મો ઘણા મારા, તારાયે તેમ, અર્જુન;
હું જાણું છું બધા તેને, તું તેને જાણતો નથી. ૫

અજન્મા, અવ્યયાત્મા ને ભૂતોનો ઇશ્વરે છતાં,
ઊપજું આત્મમાયાથી મારી પ્રકૃત્તિ પૈં ચડી. ૬