આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


જ્યારે જ્યારે જગે થાય ધર્મની ગ્લાનિ, ભારત,
આધર્મ ઊભરે ત્યારે પોતાને સરજાવું હું. ૭

સંતોના રક્ષણાર્થે ને પાપીના નાશ કારણે,
ધર્મની સ્થાપના કાજે ઊપજું છું યુગે યુગે. ૮

મારાં જન્મ તથા કર્મ દિવ્ય જે આમ તત્ત્વથી
જાણે, તે ન ફરી જન્મે, મર્યે પામે મ’ને જ તે. ૯

વીત-રાગ-ભય- ક્રોધ, મ’ને આશ્રિત, હું-મય,
જ્ઞાન-તપે થઇ શુદ્ધ, પામ્યા મદ્ ભાવને ઘણા. ૧૦

જે મ’ને આશરે જેમ, તેને તેમ જ હું ભજું;
અનુસરે મનુષ્યો સૌ સર્વથા મુજ માર્ગને. ૧૧

ઇચ્છતા કર્મની સિદ્ધિ દેવોને પૂજતા જનો;
શીઘ્ર જ કર્મની સિદ્ધિ થાય માનવલોકમાં. ૧૨

ગુણ ને કર્મના ભેદે સર્જ્યાં મેં ચાર વર્ણને;
હું અવ્યય અકર્તા તે, જાણ,કર્તાય તેમનો. ૧૩
 
ન મ’ને લેપતા કર્મો, ન મ’ને ફળમાં સ્પૃહા;
જે મ’ને ઓળખે એમ, તે ન બંધાય કર્મથી. ૧૪

આવા જ્ઞાને કર્યું કર્મ પૂર્વેનાયે મુમુક્ષુએ;
કર કર્મ જ, તેથી,તું, પૂરવજો જે કરી ગયા. ૧૫