આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પંડિતોયે મૂંઝાતા કે કર્મ શું ને અકર્મ શું;
તેથી કર્મ કહું જેને જાણ્યે છૂટીશ પાપથી. ૧૬

કર્મનું જાણવું મર્મ, જાણવુંયે વિકર્મનું;
જાણવું જે અકર્મેયે, ગૂઢ છે કર્મની ગતિ. ૧૭

અકર્મ કર્મમાં દેખે, કર્મ દેખે અકર્મમાં;
બુદ્ધિમાન તે મનુષ્યોમાં, યોગી તે પૂર્ણ કર્મવાન્ ૧૮

જેના સર્વે સમારંભો કામ-સંકલ્પ—હીન છે;
તે જ્ઞાનીનાં બળ્યાં કર્મો જ્ઞાનાગ્નિથી બુધો કહે. ૧૯

છોડી કર્મ ફલાસક્તિ, સદા તૃપ્ત, નિરાશ્રયી,
પ્રવર્તે કર્મમાં તોયે કશું તે કરતો નથી. ૨૦

મનબુદ્ધિ વશે રાખી, તૃષ્ણાહીન, અસંગ્રહી,
કેવળ દેહથી કર્મ કર્યે પાપ ન પામતો. ૨૧

સંતુષ્ટજે મળે તેથી, ના દ્વંદ્વ નહીં મત્સર,
સિદ્ધિ અસિદ્ધિમાં તુલ્ય, તે ન બંધાય કર્મથી. ૨૨

છૂટ્યો સંગ, થયો મુક્ત, જ્ઞાનમાં સ્થિરચિત્તનો,
યજ્ઞાર્થે જે કરે કર્મ, તે સર્વ લય પામતું. ૨૩

બ્રહ્માર્પ્યું બ્રહ્મનિષ્ઠેજે બ્રહ્માજ્ય બ્રહ્મ-અગ્નિમાં,
બ્રહ્મકર્મની નિષ્ઠાથી બ્રહ્મરૂપ જ થાય તે ૨૪

કોઇ યોગી કરે માત્ર દેવ-યજ્ઞ ઉપાસના;
કોઇ બ્રહ્માગ્નિમાં યજ્ઞ યજ્ઞ વડે જ હોમતા, ૨૫