આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


શ્રોત્રાદિ ઇન્દ્રિયો કોઇ હોમતા સંયમાગ્નિમાં;
શબ્દાદિ વિષયો કોઇ હોમતા ઇન્દ્રિયાગ્નિમાં. ૨૬

કોઇ સૌ ઇન્દ્રિયોનાં ને પ્રાણોનાં કર્મ હોમતા
જ્ઞાનથી અગ્નિચેતાવી આત્મસંયમયોગનો. ૨૭

દ્રવ્ય, તપ તથા યોગ, સ્વાધ્યાય,જ્ઞાન સાધને,
જુદા જુદા કરે યજ્ઞો, વ્રત-સજ્જ, પ્રયત્નવાન્ ૨૮

અપાને પ્રાણને હોમે, તથા પ્રાણે અપાનને,
અપાને-પ્રાણને રોકી પ્રાણાયામ-ઉપાસકો. ૨૯

આહારે નિયમે આણી કો હોમે પ્રાણ પ્રાણમાં;
યજ્ઞથી પાપ ટાળેલા યજ્ઞવેત્ત્તા બધાય આ. ૩૦

આ લોકે ના વિના યજ્ઞ, તો પછી પરલોક ક્યાં ? ૩૧

બહુ પ્રકારના આવા વેદમાં યજ્ઞ વર્ણવ્યા;
સૌ તે કર્મે થતા જાણ, એ જાણ્યે મોક્ષ પામશે. ૩૨

દ્રવ્યોના યજ્ઞથી રૂડો જાણવો જ્ઞાનયજ્ઞને;
જ્ઞાનમાં સઘળાં કર્મ પૂરેપૂરાં સમાય છે. ૩૩

નમીને, પ્રશ્નપૂછીને, સેવીને જ્ઞાન પામ તું;
જ્ઞાનીઓ તત્ત્વના દ્રષ્ટા તને તે ઉપદેશશે. ૩૪

જે જાણ્યેથી ફરી આવો તને મોહ થશે નહીં;
જેથી પેખીશ આત્મામાં—મુજમાં ભૂતમાત્ર તું. ૩૫