આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


હશે તું સર્વ પાપીમાં મહાપાપીય જો કદી,
તોય તરીશ સૌ પાપ જ્ઞાનનૌકા વડે જ તું. ૩૬

જેમ ભભૂકતો અગ્નિ કરે છે ભસ્મ કાષ્ઠ સૌ,
તેમ ચેતેલ જ્ઞાનાગ્નિકરે છે ભસ્મ કર્મ સૌ. ૩૭

નથી જ જ્ઞાનના જેવું પવિત્ર જગમાં કંઇ;
સિદ્ધયોગી, યથાકાળે, જાણે તે આત્મમાં સ્વયં. ૩૮

મેળવે જ્ઞાન શ્રદ્ધાળુ, જે જિતેન્દ્રિય, તત્પર;
મેળવી જ્ઞાનને પામે શીઘ્ર પરમ શાંતિને. ૩૯

અજ્ઞાની ને અશ્રદ્ધાળુ, સંશયીનો વિનાશ છે;
આ લોક, પરલોકે ના, સુખે ના સંશયી લહે. ૪૦

યોગથી કર્મને છોડ્યાં, જ્ઞાનથી સંશયો હણ્યા,
એવા આત્મવશીન તો કર્મો બાંધી શકે નહીં. ૪૧

માટે અજ્ઞાનથી ઊઠ્યો આ જે હ્રદય-સંશય,
જ્ઞાનખડ્ગે હણી તેને યોગે થા સ્થિર, ઊઠ તું. ૪૨