આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



અધ્યાય ૫ મો
જ્ઞાનદશા

અર્જુન બોલ્યા–
કહો સંન્યાસ કર્મોનો, યોગનોયે કહો તમે;
બેમાંથી એક જે રૂડો, તે જ નિશ્ચયથી કહો. ૧

શ્રીભગવાન બોલ્યા–
કર્મસંન્યાસ ને યોગ બંનેય શ્રેયકારક;
બેમાંહી કર્મનો યોગ કર્મસંન્યાસથી ચડે. ૨

જાણો તે નિત્ય-સંન્યાસી રાગ-દ્વેષ ન જે વિષે;
દ્વંદ્વ મુક્ત થયેલો તે છૂટે બંધનથી સુખે ૩

સાંખ્ય ને યોગ છે ભિન્ન, બાળ ક્હે,પંડિતો નહીં;
બેમાં એકેયને પૂરો પામતાં ફળ મેળવે. [૧]

જે સ્થાન મેળવે સાંખ્યો, યોગીયે તે જ પામતા;
એક જ સાંખ્ય ને યોગ દેખે જે, તે જ દેખતા. ૫

પણ દુ:ખે જ સંન્યાસ પામવો યોગના વિના;
મુનિ જે યોગમાં યુક્ત, શીઘ્ર તે બ્રહ્મ મેળવે. ૬

યોગયુક્ત, વિશુદ્ધાત્મા, જીતેલો મન—ઇન્દ્રિયો,
સર્વ ભૂતતણો આત્મા, તે ન લેપાય કર્મથી. ૭


  1. [બેમાંએકેયને—બે પૈકી એકમાંયે. ઘણા એમ અનુવાદ કરે છે કે “ એકેય પામતાં પૂરો, બંનેનું ફળ મેળવે.” આ બરાબર નથી લાગતું. કારણ, ફળ તો એક આત્મજ્ઞાન અથવા મુક્તિ જ છે.માટે બંનેનું ફ્ળ મેળવે, એમ કહેવામાં ભ્રમ ઉત્પન્ન થાય છે. પાંચમા શ્લોકમાં આ સ્પષ્ટ છે.]