આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


જુએ, સુણે, અડે, સૂંઘે, જમે, ઊંઘે, વદે, ફરે,
શ્વાસ લે, પકડે, છોડે, ખોલે-મીંચેય આંખને. ૮

ઇન્દ્રિયો નિજ કર્મોમાં વર્તે છે એમ જાણતો,
માને તત્ત્વજ્ઞ યોગી કે “ હું કશું કરતો નથી.” ૯

બ્રહ્માર્પણ કરી કર્મ છોડી આસક્તિને કરે,
પાપથી તે ન લેપાય, પાણીથી પદ્મપાન-શો. ૧૦

શરીરે, મન-બુદ્ધિએ, માત્ર વા ઇન્દ્રિયે કરે,
આત્માની શુદ્ધિને કાજે યોગી નિ:સંગ કર્મને. ૧૧

યોગી કર્મફળો છોડી નિષ્ઠાની શાંતિ મેળવે;
અયોગી ફળનો લોભી બંધાતો વાસના વડે. ૧૨

સૌ કર્મો મનથી છોડી, સુખે આત્મવશી રહે
નવદ્વારપુરે દેહી; ના કરે કારવે કંઈ. [૧] ૧૩

ન કર્તાપણું, ના કર્મો સર્જતો લોકનાં પ્રભુ;
ન કર્મફળયોગેય, સ્વભાવ જ પ્રવર્તતો. ૧૪

લે નહીં કોઈનું પાપ, ન તો પુણ્યેય તે વિભુ;
અજ્ઞાને જ્ઞાન ઢંકાયું, તેણે સૌ મોહમાં પડે. ૧૫

જેમનું આત્મ–અજ્ઞાન જ્ઞાનથી નાશ પામિયું,
તેમનું સૂર્ય-શું જ્ઞાન પ્રકાશે પરમાત્મને. ૧૬


  1. [મોઢું, બે આંખ, બે કાન, બે નસકોરાં, બે મળ્દ્વાર—આવા નવ દરવાજાવાળા નગરે = શરીરમાં .]