આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


જેની આત્મા વિષે બુદ્ધિ, નિષ્ઠા, તત્પરતા, મન,
ધોવાયાં જ્ઞાનથી પાપો, તેને જન્મ નહીં ફરી. ૧૭

વિદ્વાન વિનયી વિપ્રે, તેમ ચાંડાળ્ને વિષે,
ગાયે, ગજેય, શ્વાનેયે જ્ઞાનીને સમદૃષ્ટિ છે. ૧૮

અહીં જ ભવ તે જીત્યા, સ્થિર જે સમબુદ્ધિમાં;
નિર્દોષ સમ છે બ્રહ્મ, તેથી તે બ્રહ્મમાં ઠર્યા. [૧] ૧૯

ન રાચે તે મળ્યે પ્રિય, નહીં મૂંઝાય અપ્રિયે;
અમૂઢ, સ્થિર બુદ્ધિ તે બ્રહ્મજ્ઞ, બ્રહ્મમાં ઠર્યો. ૨૦

વિષયોમાં અનાસક્ત જાણે જે આત્મમાં સુખ;
તે બ્રહ્મયોગમાં યુક્ત અક્ષય સુખ[૨] ભોગવે. ૨૧

કાં જે ઇન્દ્રિયના ભોગો દુ:ખકારણ માત્ર તે,
ઊપજે ને વળી નાશે[૩], જ્ઞાની રાચે ન તે વિષે. ૨૨

કામ ને ક્રોધના વેગો છૂટ્યા પહેલાં જ દેહથી,
અહીં જ જે સહી જાણે, તે યોગી, તે સુખી નર. ૨૩

પ્રકાશ, સુખ ને શાંતિ જેને અંતરમાં મળ્યાં,
થયેલો બ્રહ્મ તે યોગી બ્રહ્મનિર્વાણ પામતો. ૨૪

પામતા બ્રહ્મનિર્વાણ ઋષિઓ ક્ષીણપાપ જે,
અસંશયી, જિતાત્મા ને સર્વભૂતહિતે મચ્યા. ૨૫

  1. [ઠર્યા—સ્થિર થયા.]
  2. [આત્મામાં જે સુખ રહ્યું છે તે. ]
  3. [નાશે= નાશ પામે.]