આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



અધ્યાય ૬ઠ્ઠો
ચિત્ત નિરોધ


શ્રીભગવાન બોલ્યા--
ફળનો આશરો છોડી કરે કર્તવ્ય કર્મ જે,
તે સંન્યાસી તથા યોગી, ન જે નિર્યજ્ઞ, નિષ્ક્રિય. ૧

સંન્યાસ જે કહે લોકે, તેને તું યોગ જાણજે;
વિના સંકલ્પને છોડ્યે યોગી થાય ન કોઈયે. ૨

યોગમાં ચઢવા કાજે કારણ કર્મ તો કહ્યું;
યોગે સિદ્ધ થયેલાને કારણ શાંતિ તો કહ્યું. [૧]

જ્યારે વિષયભોગે કે કર્મે આસક્ત થાય ના,
સર્વ સંકલ્પસંન્યાસી, યોગસિદ્ધ થયો ગણો. ૪

આપને તારવો આપે, આપને ન ડુબાડવો;
આપ જ આપનો બંધુ, આપ જ શત્રુ આપનો. ૫

જીતે જે આપને આપ, તે આત્મા આત્મનો સખા;
જો અજિતેલ આત્મા તો વર્તે આત્મા જ શત્રુ—શો. ૬

શાંતચિત્ત જિતાત્માનો પરમાત્મા સમાધિમાં
ટાઢે—તાપે સુખે—દુ:ખે, માનાપમાનમાં રહે. [૨]


  1. [પહેલી લીટીમાં કારણ એટલે (સમત્વ બુદ્ધિવાળાકર્મયોગનું) શાધન; બીજી લીટીમાં કારણ એટલે હેતુ—પ્રયોજન. એ શાંત થયેલો હોવાથી કર્મનો ત્યાગ કરવાનો એને આગ્રહ રહેતો નથી; તે જ એને કર્મનું કારણ—પ્રયોજન છે. શાંતિ ન હોય ત્યારે કરવા—છોડવાનો આગ્રહ હોય.]
  2. [આગલા બે શ્લોકોમાં ‘આપ’ અને ‘આત્મા’ શબ્દો મન, બુદ્ધિ, ચિત્ત વગેરેના અર્થમાં છે. તે સાથે ગોટાળો ન થાય માટે એ બધાંથી પર શુદ્ધ આત્મા સૂચવવા અહીં પરમાત્મા શબ્દ વાપર્યો છે. સમાધિ—અસંતોષ વિનાની સમાધાનયુક્ત આત્મ—નિષ્ટાની સ્થિર સ્થિતિમાં.]