આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


જ્ઞાનવિજ્ઞાનથી તૃપ્ત, બ્રહ્મનિષ્ઠ, જિતેન્દ્રિય,
યુક્ત તેથી કહ્યો યોગી, સમલોષ્ટાશ્મકાંચન. [૧]

વા’લા, વેરી, સખા, મધ્ય, ઉદાસી, દ્વેષ્ય ને સગા,
સાધુ-અસાધુમાં જેને સમબુદ્ધિ, વિશેષ તે. ૯

આશા—પરિગ્રહો છોડી, મનબુદ્ધિ કરી વશ,
યોગીએ યોજવો આત્મા, એકાંતે, નિત્ય, એકલા. ૧૦

શુદ્ધ સ્થળે ક્રમે નાંખી દર્ભ, ચર્મ અને પટ.
ન બહુ ઊંચું કે નીચું સ્થિર આસન વાળવું. ૧૧

કરીને મન એકાગ્ર, રોકી ચિત્તેંન્દ્રિયક્રિયા
બેસીને આસને યોગ યોજવો આત્મશુદ્ધિનો. [૨]૧૨

કાયા, મસ્તક ને ડોક સીધાં, નિશ્ચળ ને સ્થિર;
રાખવી દૃષ્ટિ નાસાગ્રે, આસપાસ ન ભાળવું. ૧૩

શાંતવૃત્તિ, ભયે મુક્ત, વ્રતસ્થ, મત્પરાયણ,
મનને સંયમે રાખી મુજમાં ચિત્ત જોડવું. ૧૪

આપને યોજતો યોગી નિત્ય આમ, મનોજયી
પામે છે મોક્ષ દેનારી શાંતિ જે મુજમાં રહી. ૧૫
 
નહીં અત્યંત આહારે, ન તો કેવળ લાંઘણે,
ઊંઘ્યે જાગ્યીય ના ઝાઝે, યોગની સાધના થતી. ૧૬


  1. [યુક્ત—સમત્વ બુદ્ધિવાળો; (૩) આ ચરણ ગુજરાતી ધાર્મિક સાહિત્યમાં કહેવતની જેમ પ્રસિદ્ધ છે, માટે તેમ જ રાખ્યું છે તેનો અર્થ ઢેફું, પથ્થર અને સોનામાં સમાન.]
  2. [(૨)ચિત્ત તથા ઇન્દ્રિયોની ક્રિયાઓ (૪) આત્મશુદ્ધિ= ચિત્ત.]