આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


યોગ્ય વિહાર—આહાર, યોગ્ય પ્રવૃત્તિ કર્મમાં,
યોગ્ય જાગૃતિ ને નિદ્રા તો સીધે યોગ દુ:ખહા. ૧૭

નિયમે પૂર્ણ રાખેલું ચિત્ત આત્મા વિષે ઠરે,
નિ:સ્પૃહ કામનાથી સૌ, ત્યારે તે યુક્ત જાણવો. ૧૮

વાયુહીન સ્થળે જેમ હાલે ના જ્યોત દીપની,
સંયમી આત્મયોગીના ચિત્તની ઉપમા કહી. ૧૯

યોગાભ્યાસે નિરોધેલું જ્યાં લે ચિત્ત વિરામને,
જ્યાં પેખી આત્મથી આત્મા પામે સંતોષ આત્મમાં; ૨૦

જ્યાં રહ્યુંસુખ અત્યંત, બુદ્ધિગ્રાહ્ય, અતીંદ્રિય,
તે જાણે, તે રહી તેમાં તત્ત્વથી તે ચળે નહીં; ૨૧

જે મળ્યે અન્ય કો લાભ ન માને તે થકી વધુ;
જેમાં રહી ચળે ના તે મોટાંતે દુ:ખથી કદી. ૨૨

દુ:ખના યોગથી મુક્ત એવો તે યોગ જાણવો;
પ્રસન્ન ચિત્તથી એવો યોગ નિશ્ચય યોજવો. ૨૩

સંકલ્પે ઊઠતા કામો સંપૂર્ણ સઘળા ત્યજી,
મનથી ઇન્દ્રિયોને સૌ બધેથી નિયમે કરી, ૨૪

ધીરે ધીરે થવું શાંત ધૃતિને વશ બુદ્ધિથી,
આત્મામાં મનને રાખી, ચિંતવવું ન કાંઈયે. ૨૫