આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


જ્યાંથી જ્યાંથી ચળી જાય મન ચંચળ, અસ્થિર,
ત્યાં ત્યાંથી નિયમે લાવી આત્મામાં કરવું વશ. ૨૬

પ્રશાંત—મન, નિષ્પાપ, બ્રહ્મરૂપ થયેલ આ
શાંત—વિકાર યોગીને મળે છે સુખ ઉત્તમ. ૨૭

આમ નિષ્પાપ તે યોગી આત્માને યોજવો સદા,
સુખેથી બ્રહ્મ સંબંધી અત્યંત સુખ ભોગવે. ૨૮

યોગે થયેલ યુક્તાત્મા સર્વત્ર સમદૃષ્ટિનો
દેખે સૌ ભૂતમાં આત્મા ને સૌ ભૂતોય આત્મમાં. ૨૯

જે સર્વત્ર મ’ને દેખે, સર્વને મુજમાં વળી,
તેને વિયોગ ના મારો, મ’ને તેનોય ના થતો. ૩૦

જે ભજે એકનિષ્ઠાથી સર્વ ભૂતે રહ્યા મ’ને,
વર્તતાં સર્વ રીતેયે તે યોગી મુજમાં રહ્યો. ૩૧

આત્મસમાન સર્વત્ર જે દેખે સમબુદ્ધિથી,
જે આવે સુખ કે દુ:ખ, તે યોગી શ્રેષ્ઠ માનવો. ૩૨

અર્જુન બોલ્યા—
સમત્વબુદ્ધિનો યોગ તમે જે આ કહ્યો મ’ને,
તેની ન સ્થિરતા દેખું, કાં જે ચંચળ તો મન. ૩૩

મન ચંચળ, મસ્તાની, અતિશે બળવાન તે,
તેનો નિગ્રહ તે માનું વાયુ શો કપરો ઘણો. ૩૪