આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


શ્રીભગવાન બોલ્યા--
મન ચંચળ તો, સાચે, રોકવું કપરુ૬ અતિ,
તોયે અભ્યાસ—વૈરાગ્યે તેને ઝાલવું શક્ય છે. ૩૫

આત્મસંયમ ના હોય, તો માનું યોગ દુર્લભ;
પ્રયત્નથી જિતાત્માને ઉપાયે શક્ય પામવો. ૩૬
 
અર્જુન બોલ્યા--
અયતિ પણ શ્રદ્ધાળુ, યોગથી ભ્રષ્ટ ચિત્તનો,
યોગ સિદ્ધિ ન પામેલો તેવાની ગતિ શી થતી? ૩૭

પામે નાશ નિરાધાર છૂટી કો વાદળી સમો,
બંનેથી તે થઈ ભ્રષ્ટ, ભૂલેલો બ્રહ્મમાર્ગને? ૩૮

મારો સંશય આ, કૃષ્ણ, સંપૂર્ણ ભાંગવો ઘટે,
નથી આપ વિના કોઈ જે આ સંશયને હણે. ૩૯
 
શ્રીભગવાન બોલ્યા--
અહીં કે પરલોકેયે તેનો નાશ નથી કદી;
બાપુ, કલ્યાણ માર્ગે કો દુર્ગતિ પામતો નથી. ૪૦

પામી તે પુણ્ય લોકોને, વસીને દીર્ઘકાળ ત્યાં,
શુચિ શ્રીમાનને ઘેર જન્મ લે યોગભ્રષ્ટ તે. ૪૧

વા બુદ્ધિમાન યોગીને કુળે જ જન્મ તે ધરે;
ઘણો દુર્લભ તો આવો પામવો જન્મ આ જગે. ૪૨