આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ત્યાં તે જ બુદ્ધિનો યોગ મેળવે પૂર્વજન્મનો;
તે ફરી સિદ્ધિને માટે કરે આગળ યત્ન તે. ૪૩

પૂર્વના તે જ અભ્યાસે ખેંચાય અવશેય તે;
યોગ જિજ્ઞાસુયે તેથી શબ્દની[૧] પાર જાય તે. ૪૪

ખંતથી કરતો યત્ન દોષોથી મુક્ત તે થઈ,
ઘણા જન્મે થઈ સિદ્ધ યોગી પામે પરંગતિ. ૪૫

તપસ્વીથી ચડે યોગી, જ્ઞાનીઓથીય તે ચડે,
કર્મીઓથી ચડે યોગી, તેથી યોગી તું, પાર્થ, થા. ૪૬

યોગીઓમાંય સર્વેમાં જે શ્રદ્ધાળુ મ’ને ભજે,
મારામાં ચિત્તને પ્રોઈ, તે યોગી શ્રેષ્ઠ મેં ગણ્યો. ૪૭


  1. [શબ્દ: કર્મકાંડ.]