આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


રસ હું જળમાંહી છું, પ્રભા છું સૂર્યચંદ્રમાં,
ૐ(૩) વેદે, નભે શબ્દ, નરોમાં પુરુષાતન. ૮

પવિત્ર ગંધ પૃથ્વીમાં, અગ્નિમાં હું પ્રકાશ છું;
જીવન સર્વ ભૂતોનું, તપસ્વીઓ વિષે તપ. ૯

તું જાણ સર્વ ભૂતોનું , મ’ને બીજ સનાતન,
છું બુદ્ધિમાનની બુદ્ધિ, તેજસ્વીઓનું તેજ છું. ૧0

કામ ને રાગથી મુક્ત બળ હું બળવાનનું;
ધર્મથી ન વિરોધી જે એવો છું કામ ભૂતમાં. ૧૧

વળી સાત્ત્વિક જે ભાવો, રજ ને તમનાય જે,
મારા થકી જ તે જાણ, તેમાં હું, નહિ તે હું—માં. ૧૨

આવા ત્રિગુણના ભાવે મોહેલું સર્વ આ જગત;
ઓળખે ના મ’ને, જે છું તે સૌથી પર અવ્યય. ૧૩

દૈવી ગુણમયી મારી માયા આ અતિ દુસ્તર;
મારે જ શરણે આવે, તે આ માયા તરી જતા. ૧૪

મારી ન શરણે આવી પાપી, મૂઢ, નરાધમો,
માયાએ ગ્યાન લૂંટેલા, આસુરી ભાવ સેવતા. ૧૫

ચાર પ્રકારના ભક્તો પુણ્યશાળી ભજે મ’ને;
આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી, ચોથો જ્ઞાની પરંતપ ! ૧૬

------------------

૧ ત્રણ માત્રા જેટલો દીર્ઘ ઉચ્ચાર કરવો.