આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


તેમાં જ્ઞાની, સદાયોગી, અનન્ય ભક્ત, શ્રેષ્ઠ છે;
જ્ઞાનીને હું ઘણો વા’લો, તેયે છે મુજને પ્રિય. ૧૭

તે સૌ સંતજનો તોયે જ્ઞાની આત્મા જ છે મુજ;
મારામાં તે રહ્યો યુક્ત, જેનાથી શ્રેષ્ઠ ના ગતિ. ૧૮

ઘણાયે જન્મને અંતે જ્ઞાની લે શરણું મુજ;
‘સર્વ આ બ્રહ્મ’જાણે તે મહાત્મા અતિ દુર્લભ. ૧૯

કામોએ જ્ઞાન લૂંટેલા ભજે તે અન્ય દેવતા
તે તે નિયમો રાખી—બાંધ્યા પ્રકૃતિએ નિજ. ૨0

ઇચ્છે જે રૂપમાં જે જે દૃઢ શ્રદ્ધાપૂર્વક પૂજવા,
તેની તેની હું તેવી જ દૃઢ શ્રદ્ધા કરાવું છું. ૨૧

તેવી શ્રદ્ધા ભર્યો તેની વાંછતો તે પ્રસન્નતા;
તેનાથી મેળવે કામો, મેં જ નિર્માણ જે કર્યા. ૨૨

નાશવંત ફળો પામે જનો તે અલ્પબુદ્ધિના;
દેવોના ભક્ત દેવોને, મારા ભક્ત મ’ને મળે. ૨૩

અવ્યક્ત તે થયો વ્યક્ત, માનો મૂઢ જનો મ’ને,
ન જાણતા પરંભાવ, મારો અવ્યય ઉત્તમ. ૨૪

ઢંકાયો યોગ-માયાએ ના હું પ્રગટ સર્વને;
આ મૂઢ લોક જાણે ના અજન્મા, અવ્યયી મ’ને. ૨૫

ભૂતો જે જે થયા પૂર્વે, આજે છે ને હવે થશે,
હું તો તે સર્વને જાણું, મ’ને કો જાણતું નથી. ૨૬