આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અધ્યાય ૮મો
યોગીનો દેહ ત્યાગ

અર્જુન બોલ્યા—
શું તે બ્રહ્મ? શું અધ્યાત્મ? શું કર્મ, પુરુષોત્તમ?
અધિભૂત કહે શાને? શું, વળી, અધિદૈવ છે? ૧

અધિયજ્ઞ અહીં દેહે કોણ ને કેમ છે રહ્યો?
તમને અંતવેળાએ યતિએ કેમ જાણવા? ૨

શ્રીભગવાન બોલ્યા--
અક્ષર[૧] તે પરબ્રહ્મ, અધ્યાત્મ તો સ્વભાવ જે;
ભૂતો સૌ ઊપજાવે તે વિસર્ગ કર્મ જાણવું. ૩

ક્ષર ને જીવના ભાવો અધિભૂતાધિદૈવ તે;
અધિયજ્ઞ[૨] હું પોતે જ દેહીના દેહમાં અહીં. ૪
મ’ને જ સ્મરતો અંતે છોડી જાય શરીર જે,
મારો જ ભાવ તે પામે, તેમાં સંશય ના કશો. ૫

જે જેયે સ્મરતો ભાવ છોડી જાય શરીરને,
તેને તેને જ તે પામે સદા તે ભાવથી ભર્યો. ૬

માટે અખંડ તું મારી સ્મૃતિને રાખતો લડ;
મનબુદ્ધિ મ’ને અર્પ્યે મ’ને નિ:શંક પામશે. ૭


  1. [ક્ષર (વિનાશી) ભાવ તે અધિભૂત, અને જીવભાવ તે અધિદૈવ.]
  2. [“અધિ”નો સાધારણ અર્થ “સંબંધી”, “લગતું”.]