આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અભ્યાસ યોગમાં યુક્ત મન બીજે ભમે નહીં,
અખંડચિંતને પામે પરંપુરુષ દિવ્ય તે. ૮

પુરાણ, સર્વજ્ઞ, જગન્નિયંતા,
સૂક્ષ્માતિસૂક્ષ્મ સહુના વિધાતા;
આદિત્યવર્ણ, તમથીય પાર,
અચિંત્યરૂપ સ્મરતો સદા જે. [૧]

પ્રયાણકાળે સ્થિર ચિત્ત રાખી,
લૈ ભક્તિ સાથે બળ યોગનુંયે;
ભવાં વચે પ્રાણ સુરીત આણી,
યોગી પરંપુરુષ દિવ્ય પામે. ૧૦

જેને કહે ‘અક્ષર’ વેદવેત્તા,
જેમાં વિરાગી યતિઓ પ્રવેશે;
જે કાજ રાખે વ્રત બ્રહ્મચર્ય,
કહું તને તે પદ સારરૂપે. ૧૧

રોકીને ઇંદ્રિય દ્વારો, રૂંધીને હ્રદયે મન,
સ્થાપીને તાળવે પ્રાણ, રાખીને યોગ-ધારણા; ૧૨

ૐ,ૐ,ૐ, એકાક્ષરી બ્રહ્મ ઉચ્ચારી સ્મરતો મ’ને,
જે જાય દેહને છોડી, તે પામે છે પરંગતિ. ૧૩


  1. [સૂક્ષ્મથી પણ અતિસૂક્ષ્મ, આદિત્ય—(સૂર્ય) જેવા વર્ણ(રંગ)વાળા.]