આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


સતત એક ચિત્તે જે સદા સંભારતો મ’ને,
તે નિત્ય-યુક્ત યોગીને સે’જે હું પ્રાપ્ત થાઉં છું. ૧૪

મ’ને પોં’ચી મહાત્માઓ, પામેલા શ્રેષ્ઠ સિધ્હિને,
વિનાશી, દુ:ખનું ધામ, પુનર્જન્મ ધરે નહીં. ૧૫

બ્રહ્માના લોક પર્યંત આવાગમન સર્વને;
પરંતુ મુજને પામી પુનર્જન્મ રહે નહીં. ૧૬

હજાર યુગનો દા’ડો, હજાર યુગની નિશા;
બ્રહ્માના દિનરાત્રીના વિદ્વાનો એમ જાણતા. ૧૭

અવ્યક્તથી બધી વ્યક્તિ નીકળે દિન ઊગતાં;
રાત્રી થતાં ફરી પામે તે જ અવ્યક્તમાં લય. ૧૮

તે જ આ ભૂતનો સંઘ ઊઠી ઊઠી મટી જતો,
પરાધીનપણે રાત્રે; નીકળે દિન ઊગતાં. ૧૯

તે અવ્યક્ત થકી ઊંચો બીજો અવ્યક્ત ભાવ છે;
તે શાશ્વત નહીં નાશે, ભૂતો સૌ નાશ પામતાં. ૨૦

કહ્યો અક્ષર, અવ્યક્ત, કહી તેને પરંગતિ;
જે પામ્યે ન ફરે ફેરા,-- તે મારું ધામ છે પરં. ૨૧

પરં પુરુષ તે પ્રાપ્ત થાય અનન્ય ભક્તિથી—
જેના વિષે રહે ભૂતો, જેનો વિસ્તાર આ બધો. ૨૨

જે કાળે છોડતાં દેહ યોગી પાછા ફરે નહીં;
જે કાળે ફરે પાછા, તે કાળ કહું છું હવે. ૨૩