આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


નિજ પ્રકૃતિ આધારે સર્જું છું હું ફરી ફરી;
સર્વ આ ભૂતનો સંઘ બળે પ્રકૃતિને વશ. ૮

પણ તે કોઈયે કર્મ મુજને બાંધતાં નથી;
કાં જે રહ્યો ઉદાસી[૧] શો કર્મે આસક્તિહીન હું. ૯

પ્રકૃતિ પ્રસવે સૃષ્ટિ મારી અધ્યક્ષતા[૨] વડે;
તેના કારણથી થાય જગનાં પરિવર્તનો. ૧૦

અવજાણે મ’ને મૂઢો માનવી દેહને વિશે;
ન જાણતા પરંભાવ મારો ભૂત મહેશ્વરી. ૧૧

વૃથા આશા, વૃથા કર્મો, વૃથા જ્ઞાન કુબુદ્ધિનાં;
રાક્ષસી—આસુરી જેઓ સેવે પ્રકૃતિ મોહિની. ૧૨

મહાત્માઓ મ’ને જાણી ભૂતોનો આદિ અવ્યય;
અનન્ય મનથી સેવે દૈવી પ્રકૃતિ આશર્યા. ૧૩

કીર્તિ મારી સદા ગાતા, યત્નવાન, વ્ર્તે દૃઢ,
ભક્તિથી મુજને વંદી ઉપાસે નિત્ય યોગથી.
[૩] ૧૪

જ્ઞાનયજ્ઞેય કો ભક્તો સર્વવ્યાપી મ’ને ભજે;
એકભાવે, પૃથગ્ભાવે, બહુ રીતે ઉપાસતા. ૧૫

હું છું ક્રતુ, હું છું યજ્ઞ, હું સ્વધા, હું વનસ્પતિ;
મંત્ર હું, ધૃતહું શુદ્ધ, અગ્નિ હું, હું જ આહુતિ; ૧૬

હું જ આ જગનો ધાતા, પિતા, માતા, પિતામહ;
જ્ઞેય, પવિત્ર ૐકાર, ઋગ્, યજુર્, સામવેદ હું. ૧૭


  1. [ઉદાસ- ઉત્—ઊંચે, આસ—બેઠેલો. ઊંચે બેઠેલો, સાક્ષી રૂપ, તે ઉદાસ કહેવાય. ઉદાસ એટલે દિલગીર એવો અર્થ નથી થતો.]
  2. [અધ્યક્ષનો અર્થ પણ ઉદાસ જેવો જ. ઉપરથી જોનારો તે અધ્યક્ષ.]
  3. [નિત્ય યોગથી--અખંડ યોગમાં રહી.]