આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પ્રભુ, ભર્તા, સુહ્રદ, સાક્ષી, નિવાસ, શરણું, ગતિ;
ઉત્પત્તિ, પ્રલય, સ્થાન, નિધાન, બીજ, અવ્યય. ૧૮

તપું હું, જળને ખેંચું, મેઘને વરસાવું હું;
અમૃત હું, હું છું મૃત્યુ, સત ને અસતેય હું. ૧૯

પી સોમ નિષ્પાપ થઈ ત્રિવેદી
      યજ્ઞો વડે સ્વર્ગનિવાસ યાચે;
ને મેળવી પુણ્ય સુરેન્દ્રલોક,
      ત્યાં દેવના વૈભવ દિવ્ય માણે. ૨૦

તે ભોગવી સ્વર્ગ વિશાળ એવું,
     પુણ્યો ખૂટ્યે મર્ત્ય વિશે પ્રવેશે;
સકામ તે વૈદિક કર્મમાર્ગી,
     આ રીતે ફેરા ભવના ફરે છે. ૨૧

અનન્ય ચિત્તથી જેઓ કરે મારી ઉપાસના,
તે નિત્યયુક્ત ભક્તોનો યોગક્ષેમ ચલાવું હું. ૨૨

તેમ જે ભક્ત શ્રદ્ધાથી ઉપાસે અન્ય દેવને,
વિધિપૂર્વક ના તોયે, તેયે મ’ને જ પૂજતા. ૨૩

કાં જે હું સર્વ યજ્ઞોનો ભોક્તા ને પ્રભુ છું વળી;
પરંતુ તે પડે, કાં જે ન જાણે તત્ત્વથી મ’ને. ૨૪

દેવપૂજક દેવોને, પિતૃના પિતૃને મળે;
ભૂતપૂજક ભૂતોને, મારા ભક્ત મ’ને મળે. ૨૫