આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


જે જાણે તત્ત્વથી આવાં મારાં યોગ—વિભૂતિને,
અડગયોગે તે પામે, તેમાં સંશય ના કશો. ૭

હું જ છું મૂળ સર્વેનું, પ્રવર્તે મુજથી બધું;
એવું જાણી મ’ને જ્ઞાની ભજતા ભક્તિભાવથી. ૮

ચિત્ત-પ્રાણ હું-માં પ્રોતા, બોધ દેતા પરસ્પર;
કે’તા મારી કથા નિત્ય સુખ-સંતોષ પામતા. ૯

આવા અખંડયોગીને ભજતા પ્રીતથી મ’ને--
આપું તે બુદ્ધિનો યોગ, જેથી આવી મળે મ’ને. ૧૦

રહેલો આત્મભાવે હું તેજસ્વી જ્ઞાનદીપથી
કરુણાભાવથી તેનો અજ્ઞાન-તમને હણું. ૧૧

અર્જુન બોલ્યા—
પરંબ્રહ્મ, પરંધામ, છો પવિત્ર તમે પરં,
આત્મા, શાશ્વત ને દિવ્ય, અજન્મા, આદિ ને વિભુ: ૧૨

વર્ણવે ઋષિઓ સર્વે તથા દેવર્ષિ નારદ;
અસિત, દેવલ,વ્યાસ,--તમેયે મુજને કહો; ૧૩

તે સર્વ માનું છું સત્ય, જે તમે મુજને કહો;
તમારું રૂપ જાણે ના દેવો કે દાનવો, પ્રભુ ! ૧૪

તમે જ આપને આપે જાણતા, પુરુષોત્તમ !
ભૂતેશ, ભૂતકર્તા હે, દેવદેવ, જગત્પતે ! ૧૫