આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


સંભળાવો મ’ન સર્વે દિવ્ય આત્મવિભૂતિઓ;
જે વિભૂતિ વડે વ્યાપ્યા આ બધા લોકને તમે. ૧૬

યોગેશ, તમને કેવા જાણું ચિંતનમાં સદા ?
શા શા ભાવો વિશે મારે તમને ચિંતવવા ઘટે? ૧૭

યોગ-વિભૂતિ વિસ્તારે ફરીથી નિજનાં કહો;
સુણી નથી ધરાતો હું તમારાં વચનામૃત. ૧૮

શ્રી ભગવાન બોલ્યા--
ભલે, લે વર્ણવું મુખ્ય મારી દિવ્ય વિભૂતિઓ;
મારા વિસ્તારને કે’તાં અંત કૈં આવશે નહીં. ૧૯

હું જ આત્મા રહ્યો સર્વે ભૂતોનાં હ્રદયો વિશે;
આદિ, મધ્ય તથા અંત, હું જ છું ભૂતમાત્રનાં. ૨૦

આદિત્યોનો હું છું વિષ્ણુ, સૂર્ય હું જ્યોતિઓ તણો;
મરીચિ મારુતોનો હું, નક્ષત્રોનો હું ચંદ્રમા. [૧] ૨૧

સામવેદ હું વેદોનો, દેવોનો ઇન્દ્રરાજ હું;
ચેતના સર્વ ભૂતોની, મન હું ઇન્દ્રિયો તણું. ૨૨

હું શંકર રુદ્રોનો, કુબેર યક્ષરાક્ષસે;
વસુઓનો હું છું અગ્નિ, મેરુ હું પર્વતો તણો. ૨૩

પુરોહિતો તણો મુખ્ય મ’ને, જાણ, બૃહસ્પતિ;
સેનાનીઓ તણો સ્કંદ, પુષકરોનો હું સાગર. ૨૪


  1. [અહીં મૂળમાં બધે છઠ્ઠી વિભક્તિ વાપરેલી છે. પણ સાધારણ રીતે તેને સાતમીના અર્થમાં લેવાનો રિવાજ છે. આમ ભાષામાં થઈ શકે છે ખરું; પણ મને આ ઠેકાણે તેમ કરવા જેવું લાગતું નથી. “આદિત્યોનો હું વિષ્ણુ છું, અને જ્યોતિઓનો સૂર્ય વગેરે. –એટલે આદિત્યોની વિભૂતિ= પરાકાષ્ઠા=પ્રાપ્ત કરવા જેવો આદર્શતે વિષ્ણુ; જ્યોતિઓનો સૂર્ય વગેરે. “આદિત્યોમાં હું વિષ્ણુ છું.”એમ કરવામાં એવો અર્થ સંભવે છે કે, વિષ્ણુ સિવાય બીજા આદિત્યો, હું નહીં દરેક વર્ગનું સર્વશ્રેષ્ઠ રૂપ, જ્યાં સુધી
    તે વર્ગની દરેક વ્યક્તિ પહોંચવા ઇચ્છે, તે વિભૂતિ. એ દિશામાં ઈશ્વરની તે શક્તિની પરાકાષ્ઠા થયેલી ચિંતવી શકાય. એ રીતે જ “સ્થાવરોનો હિમાલય”, “મગર સર્વ મચ્છોનો” ઇત્યાદિ સમજવા સરળ પડે.]