આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


મૃત્યુ હું સર્વનો હર્તા, ભવિષ્યનો હું ઉદ્ ભવ;
સ્ત્રીની શ્રી, કીર્તિ ને વાણી, સ્મૃતિ, પ્રજ્ઞા, ધૃતિ, ક્ષમા. ૩૪

સામોનો હું બૃહત્સામ, ગાયત્રી સર્વ છંદની;
માર્ગશીર્ષ હું માસોનો; ઋતુઓનો વસંત હું. ૩૫

ઠગોની દ્યૂતવિદ્યા છું, તેજસ્વીઓનું તેજ હું;
સત્ત્વવાનો તણું સત્ત્વ, જય ને વ્યવસાય છું. ૩૬

હું વાસુદેવ વૃષ્ણીનો, પાંડવોનો ધનંજય;
મુનિઓનો હું છું વ્યાસ, શુક્ર હું કવિઓ તણો. ૩૭

દંડ હું દંડધારીનો, નીતિ હું જયવાંછુની;
હું છું મૌન જ ગુહ્યોનું, જ્ઞાનીઓનું છું જ્ઞાન હું. ૩૮

બીજ જે સર્વ ભૂતોનું જાણજે તેય હું જ છું;
હું—વિનાનું નથી લોકે કોઈ ભૂત ચરાચર. ૩૯

ન આવે ગણતાં છેડો મારી દિવ્ય વિભૂતિનો;
દિશા માત્ર કહ્યો મેં તો આ વિસ્તાર વિભૂતિનો. ૪૦

જે કોઈ સત્ત્વમાં કાંઈ લક્ષ્મી, વીર્ય, વિભૂતિ વા,
જાણ તે સઘળું મારા તેજના અંશથી થયું. ૪૧

અથવા, લાભ શો તારે જાણી વિસ્તારથી ઘણા;
એક જ અંશથી મારા આખું વિશ્વ ધરી રહ્યો. ૪૨