આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અધ્યાય ૧૧ મો
વિરાટદર્શન


અર્જુન બોલ્યા—
મારા અનુગ્રહાર્થે જે તમે અધ્યાત્મજ્ઞાનનું
પરં ગૂઢ કહ્યું તેથી મારો એ મોહ તો ગયો. ૧

ભૂતોના જન્મ ને નાશ મેં સવિસ્તર સાંભળ્યા,
તેમ અક્ષય માહાત્મ્ય, તમારા મુખથી પ્રભુ ! ૨

નિજને વર્ણવો જેમ, તેવું જ, પરમેશ્વર !
ઈશ્વરી રૂપ જોવાને ઇચ્છું છું, પુરુષોત્તમ ! ૩

મારે તે રૂપને જોવું શક્ય જો માનતા, પ્રભુ !
તો, યોગેશ્વર, દેખાડો નિજ અવ્યય રૂપ તે. ૪

શ્રીભગવાન બોલ્યા--
જો તું મારા બધાં રૂપો , સેંકડો ને હજારથી;
બહુ પ્રકારનાં, દિવ્ય, ઘણા આકાર-વર્ણનાં. ૫

આદિત્યો, વસુઓ, રુદ્રો, અશ્વિનો, મરુતોય જો;
પૂર્વે ક્યારે ન દીઠેલાં એવાં આશ્ચર્ય જો ઘણાં. ૬

જો મારા દેહમાં આજે એક સાથ અહીં રહ્યું
ચરાચર જગત્ આખું; ઇચ્છે જે અન્ય તેય જો. ૭