આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


મ’ને તારા જ આ નેત્રે નહીં જોઈ શકીશ તું
દિવ્ય દૃષ્ટિ તને આપું, ઈશ્વરી યોગ જો મુજ. ૮

સંજય બોલ્યા—
આમ બોલી પછી કૃષ્ણ-મહાયોગેશ્વરે, નૃપ,
પરમ ઈશ્વરી રૂપ દેખાડ્યું પાર્થને નિજ. ૯

ઘણાં મોઢાં, ઘણી આંખો, ઘણાં અદ્ ભુત રૂપમાં,
ઘણાં આભૂષણો દિવ્ય, ઘણાંક દિવ્ય આયુધો. ૧૦

માળા—વસ્ત્ર ધર્યા દિવ્ય, અર્ચાઓ દિવ્ય ગંધની,
સર્વ આશ્ચર્યથી પૂર્ણ વિશ્વવ્યાપક દેવ તે. ૧૧

આકાશે સામટી દીપે હજારો સૂર્યની પ્રભા,
તે કદી એ મહાત્માના તેજ શી થાય તો ભલે. ૧૨

અનંત ભાતનું વિશ્વ આખુંયે એક ભાગમાં,
દેવાધિદેવના દેહે અર્જુને જોયું તે સમે. ૧૩

પછી અર્જુન આશ્ચર્યે હર્ષ રોમાંચગાત્રથી,
દેવને હાથ જોડીને નમાવી શિરને વદ્યો:-- ૧૪