આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અર્જુન બોલ્યા--
      હે દેવ, દેખું તમ દેહમાં સૌ
            દેવો તથા ભૂત સમૂહ નાના;
      બ્રહ્મા વિરાજે કમલાસને આ,
            ને દિવ્ય સર્પો, ઋષિઓય સર્વે. ૧૫

      અનેક નેત્રો-મુખ-હાથ-પેટો,
            અનંત રૂપો તમ સર્વ બાજુ;
      દેખું નહીં અંત, ન મધ્ય—આદિ
            તમારું વિશ્વેશ્વર, વિશ્વરૂપ ! ૧૬

      ધારી ગદા-ચક્ર-કિરીટ દીપો
            બધી દિશે તેજતણા સમૂહે;
      તપાવવા સૂરજ-અગ્નિ-જ્યોતિ
            જોવા તમે શક્ય ન, અપ્રમેય ! ૧૭

      તમે પરં અક્ષર, જ્ઞેય તત્ત્વ,
            તમે મહા આશ્રય વિશ્વનું આ;
અનાશ છો, શાશ્વતધર્મપાળ,
            જાણું તમે સત્ય અનાદિ દેવ. ૧૮

 અનાદિ મધ્યાન્ત, અનંત-શક્તિ;
            અનંત હાથો, શશિસૂર્યનેત્ર;
 પેખું તમારે મુખ અગ્નિ ઝોળો,
            તમે સ્વતેજે જગ આ તપાવો. ૧૯

આ વ્યોમપૃથ્વીતણું અંતરાળ
      દિશાય સૌ એક તમે જ વ્યાપ્યાં;