આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


સંજય બોલ્યા--
આ સાંભળી કેશવ કેરું વેણ,
      બે હાથ જોડી થથરે કિરીટી;
ફરી કરી વંદન કૃષ્ણને તે,
      નમી, ડરી, ગદ્ ગદ કંઠ બોલે: ૩૫

અર્જુન બોલ્યા--
છે યોગ્ય કે કીર્તનથી તમારાં,
      આનંદ ને પ્રેમ લહે જગત્ સૌ;
નાસે ભયે રાક્ષસ સૌ દિશામાં,
      સર્વે નમે સિદ્ધતણા સમૂહો. ૩૬

ન કાં નમે સૌ તમને, પરાત્મન્ ?
બ્રહ્મા તણાયે ગુરુ, આદિ કર્તા !
અનંતદેવેશ, જગન્નિવાસ !
      સત્, અસત્, તે પર, અક્ષરાત્મન ! [૧] ૩૭

પુરાણ છો પુરુષ, આદિદેવ,
      તમે જ આ વિશ્વનું અંત્યધામ;
જ્ઞાતા તમે, જ્ઞેય, પરં પદે છો,
      તમે ભર્યું વિશ્વ, અનંતરૂપ ! ૩૮


  1. [તમે સત્ છો, અસત્ છો, અને તેથીયે પર છો.]