આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


તમે શશી, વા, વરુણાગ્નિ, ધર્મ,
      પ્રજાપતિ, બ્રહ્મપિતા તમે જ;
મારાં હજારો નમનો તમોને,
      નમો નમસ્તેય નમો નમસ્તે. [૧] ૩૯

 સામે નમું છું, નમું છુંય પીઠે,
      સૌ પાસ વંદું, પ્રભુ, સર્વરૂપ !
અપાર છે વીર્ય[૨], અમાપ શક્તિ,
      સર્વે બન્યા, સર્વ નિજે સમાવી. ૪૦

સખા ગણી વેણ અયોગ્ય બોલ્યો,
      ‘હે કૃષ્ણ, હે યાદવ, હે સખા’—શાં,
ન જાણતાં આ મહિમા તમારો,
      પ્રમાદથી કે અતિપ્રેમથીયે. ૪૧

બેઠા, ફર્યા સાથ, જમ્યાય, સૂતા,--
      એકાંતમાં કે સઘળા સમક્ષ,
હાંસી કરી ત્યાં મરજાદ લોપી--
      ક્ષમા કરો તે સહુ, અપ્રમેય ! ૪૨

તમે પિતા સ્થાવર જંગમોના,
      તમે જ સૌના ગુરુરાજ પૂજ્ય;
ત્રિલોકમાંયે તમ તુલ્ય કો ના,
      ક્યાંથી જ મોટો? અનુપપ્રભાવી ! ૪૩


  1. [વા—વાયુ. વરુણાગ્નિ—વરુણ ને અગ્નિ.]
  2. [વીર્ય—ઓજ.]