આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ન વેદ-પાઠે, નહીં યજ્ઞ-દાને,
      ન કર્મકાંડે, ન તપેય ઉગ્ર,
મનુષ્યલોકે મુજ રૂપ આવું
      તારા વિના કોઈ શકે નિહાળી. ૪૮

મૂંઝા નહીં, મા ધર મૂઢભાવ,
      આવું નિહાળી મુજ ઘોર રૂપ;
નિવાર તારો ભય, થા પ્રસન્ન,
      લે, તે જ આ રૂપ તું પેખ મારું. ૪૯

સંજય બોલ્યા--
આવું કહી અર્જુનને, ફરીથી
      સ્વરૂપને દાખવ્યું વાસુદેવે;
ફરી ધરી સૌમ્ય શરીર દેવે
      દીધો દિલાસો ભયભીતને તે. ૫૦

અર્જુન બોલ્યા--
તમારું માનવી રૂપ સૌમ્ય આ જોઈને હવે
ચેતના, સ્વસ્થતા પામ્યો, નિજભાવે થયો સ્થિર. ૫૧