આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અધ્યાય ૧૨ મો
ભક્તિતત્ત્વ

અર્જુન બોલ્યા--
નિત્યયુક્ત થઈ આમ જે ભક્ત તમને ભજે;
ને જે અક્ષર, અવ્યક્ત--તે બે માંહી ક્યા ચડે? ૧

શ્રી ભગવાન બોલ્યા--
મારામાં મનને પ્રોઈ, નિત્યયુક્ત થઈ મ’ને,
ભજે પરમ શર્દ્ધાથી, તે યોગી ચડતા ગણું. ૨

જેઓ અચિંત્ય, અવ્યક્ત, સર્વવ્યાપક, નિશ્ચળ,
એકરૂપ, અનિર્દેશ્ય, ધ્રુવ, અક્ષરને ભજ. ૩

ઇન્દ્રિયો નિયમે રાખી, સર્વત્ર સમબુદ્ધિના,
સર્વભૂતહિતે રક્ત, તેયે મ’ને જ પામતા. ૪

અવ્યક્તે ચિત્ત ચોંટાડે, તેને ક્લેશ થતો વધુ;
મહા પરિશ્રમે દેહી, પામે અવ્યક્તમાં ગતિ. ૫

મારામાં સર્વ કર્મોનો કરી સંન્યાસ, મત્પર,
અનન્ય યોગથી મારાં કરે ધ્યાન—ઉપાસના. ૬