આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


મારામાં ચિત્તપ્રોતા તે ભક્તોનો ભવસાગરે,
વિના વિલંબ ઉદ્ધાર કરું છું, પાર્થ, હું સ્વયં. ૭

હું—માં જ મનને સ્થાપ, નિષ્ઠા મારી જ રાખ તું;
તો મારામાં જ નિ:શંક, વસીશ હવે પછી. ૮

જો ન રાખી શકે સ્થિર હું—માં ચિત્ત સમાધિથી,
તો મ’ને પામવા ઇચ્છ, સાધી અભ્યાસયોગને. ૯

અભ્યાસેયે ન જો શક્તિ, થા મત્કર્મપરાયણ;
મારે અર્થે કરે કર્મો; તોયે પામીશ સિદ્ધિને.[૧] ૧૦

જો ન કરી શકે તેયે, આશરો મુજ યોગને,
તો સૌ કર્મફળો ત્યાગ, રાખીને મનને વશ. ૧૧

ઊંચું અભ્યાસથી જ્ઞાન, જ્ઞાનથી ધ્યાન તો ચડે;
ધ્યાનથી ફળનો ત્યાગ, ત્યાગથી શાંતિ સત્વર. [૨] ૧૨

અદ્વેષ સર્વ ભૂતોનો, મિત્રતા, કરુણા, ક્ષમા,
નિર્મમ, નિરહંકાર, સુખદુ:ખે સમાનતા. ૧૩

યોગી સદાય સંતોષી, જિતાત્મા, દૃઢનિશ્ચયી,
મનબુદ્ધિ મ’ને અર્પ્યા તે મદ્ ભક્ત મ’ને પ્રિય. ૧૪

જેથી દુભાય ના લોકો, લોકથી જે દુભાય ના;
હર્ષ—ક્રોધ—ભય—ક્ષોભે છૂટ્યો જે, તે મ’ને પ્રિય. ૧૫


  1. [મારે માટે કર્મ કરવાં, તેને જ પરમ ધ્યેય સમજવાવાળો થા. ]
  2. [છઠ્ઠા અધ્યાયમાં કહ્યાં છે, તેવા અભ્યાસયોગ કરતાં જ્ઞાન ઊંચું છે; તે કરતાં ધ્યાન(શ્લોક૬ થી ૮મા કહેલી ભક્તિ ) ચડે. કારણકે તે ધ્યાનથી જ ફળનો ત્યાગ સિદ્ધ થાય છે; અને ત્યાગથી જ સત્વર શાંતિ મળે છે.]