આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પવિત્ર, નિસ્પૃહી, દક્ષ, ઉદાસીન, વ્યથા નહીં,
સૌ કર્મારંભ [૧] છોડેલો, મારો ભક્ત મ’ને પ્રિય. ૧૬

ન કરે હર્ષ કે દ્વેષ, ન કરે શોક કે સ્પૃહા;
શુભાશુભ ત્યજ્યાં જેણે, ભક્તિમાન મ’ને પ્રિય. ૧૭

સમ જે શત્રુ ને મિત્રે, સમ માનાપમાનમાં;
ટાઢે—તાપે, સુખે દુ:ખે સમ, આસક્તિહીન જે; ૧૮

સમાન સ્તુતિ—નિંદામાં, મૌની, સંતુષ્ટ જે મળે;
સ્થિરબુદ્ધિ, નિરાલંબ, ભક્ત જે, તે મ’ને પ્રિય. ૧૯

આ ધર્મામૃતને સેવે શ્રદ્ધાથી જેમ મેં કહ્યું,
મત્પરાયણ જે ભક્તો, તે મ’ને અતિશે પ્રિય. ૨૦


  1. [કર્મારંભ—(આસક્તિપૂર્વક થતાં) કર્મોનો ખટાટોપ.]