આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અધ્યાય ૧૩ મો
ક્ષેત્રક્ષેત્રવિચાર


શ્રી ભગવાન બોલ્યા :
ક્ષેત્ર એ નામથી જ્ઞાની ઓળખે આ શરીરને;
ક્ષેત્રને જાણનારો જે, તેને ક્ષેત્રજ્ઞ છે કહ્યો. ૧
 
વળી મને જ ક્ષેત્રજ્ઞ જાણજે સર્વ ક્ષેત્રમાં,
ક્ષેત્રક્ષેત્રજ્ઞનું જ્ઞાન, તેને હું જ્ઞાન માનું છું. ૨
 
જે તે ક્ષેત્ર, તથા જેવું, જ્યાંથી એમાં વિકાર જે,
ક્ષેત્રજ્ઞ જે અને જેવો, સંક્ષેપે સુણ તે કહું. ૩
 
વિવિધ મંત્રથી ગાયું ઋષિઓએ અનેક્ધા
ઠરાવ્યું બ્રહ્મ્સૂત્રોમાં સુનિશ્ચિત પ્રમાણથી. ૪
 
મહાભૂતો, અહંકાર, બુદ્ધિ, પ્રકૃતિ - આઠ એ;
ઇન્દ્રિયો દસ ને એક, વિષયો પાંચ એમના; ૫
 
ઈચ્છા, દ્વેષ, સુખોદુ:ખો, ધૃતિ, સંઘાત, ચેતના
વિકારો સાત આ, ક્ષેત્ર તને સંક્ષેપમાં કહ્યું. ૬
 
નિર્માનતા, અહિંસા, ને અદંભ, આર્જવ ક્ષમા
ગુરુભક્તિ તથા શૌચ, સ્થિરતા, આત્મનિગ્રહ. ૭