આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


જ્યોતીઓનું ય એ જ્યોતિ, પર એ અંધકારથી
જ્ઞાન, જ્ઞેય, જ્ઞાનગમ્ય, સર્વના હૃદયે વસ્યું. ૧૭
 
ક્ષેત્ર, જ્ઞાન તથા જ્ઞેય, આમ સંક્ષેપમાં કહ્યા;
મારો જે ભક્ત આ જાણે, તે પામે મુજ ભાવને. ૧૮
 
બંને અનાદી છે જાણ પ્રકૃતિ તેમ પુરુષ;
પ્રકૃતિથી થતા જાણ, વિકારોને ગુણો બધા. ૧૯
 
કાર્ય, કારણ, કર્તૃત્વ, એ સૌ પ્રકૃતિ કારણે,
સુખ-દુખ તણા ભોગ, તેતો પુરુષ કારણે. ૨૦
 
પ્રકૃતિમાં રહ્યે સેવે પ્રકૃતીગુણ પુરુષ;
આસક્તિ ગુણમાં તેથી સદસદ યોનીમાં પડે. ૨૧
 
સાક્ષી માત્ર અનુંજ્ઞાતા, ભર્તા ભોક્તા મહેશ્વર;
કહ્યો તે પરમાત્માએ દેહે પુરુષ જે પર. ૨૨
 
જાણે પુરુષ જે આમ, પ્રકૃતિએ ગુણોસહ:
સર્વે કર્મો કરે તોયે, તે ફરી જન્મતો નથી. ૨૩
 
ધ્યાનથી આપને કોઈ આપથી આપમાં જુએ,
સાંખ્યયોગ વડે કોઈ, કોઇ તો કર્મ યોગ થી. ૨૪
 
ને કો ન જાણતા આમ અન્યથી સૂણી ને ભજે
શ્રવણે રાખતા શ્રદ્ધા, તોયે મૃત્યુને તરે. ૨૫