આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અધ્યાય: ૧૪ મો
ત્રિગુણ નિરૂપણ


શ્રી ભગવાન બોલ્યા--
જ્ઞાનોમાં શ્રેષ્ઠ જે જ્ઞાન, તે ફરી તુજને કહું:
જે જાણી મુનિઓ સર્વે પામ્યા સિદ્ધિ અહીં પરં. ૧

આ જ્ઞાન આશરી જેઓ પામે મુજ સમાનતા,
સર્ગકાળે ન તે જન્મે, પ્રલયે ન વ્યથા ખમે. ૨

મારું ક્ષેત્ર મહદ્ બ્રહ્મ, તેમાં હું બીજ થાપું છું;
તે થકી સર્વ ભૂતોની લોકે ઉત્પત્તિ થાય છે. ૩

સર્વ યોનિ વિષે જે જે વ્યક્તિઓ જન્મ પામતી,
તેનું ક્ષેત્ર મહદ્ બ્રહ્મ,પિતા હું બીજદાયક. ૪

તમ, રજ તથા સત્ત્વ, --ગુણો પ્રકૃતિથી થયા;
તે જ અવ્યય દેહીને બાંધે છે દેહને વિષે. ૫

તેમાં નિર્મળ તે સત્ત્વ, દોષહીન, પ્રકાશક;
તે બાંધે છે કરાવીને આસક્તિ જ્ઞાન ને સુખે. ૬

તૃષ્ણા-આસક્તિથી જન્મ્યો રાગ, તે જ રજોગુણ;
દેહીને બાંધતો તે તો આસક્ત કર્મમાં કરી. ૭