આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


મોહમાં નાંખતો સૌને ઊઠે અજ્ઞાનથી તમ;
દેહીને બાંધતો તે તો નિદ્રા—પ્રમાદ—આળસે. ૮

સુખમાં જોડતો સત્ત્વ, કર્મમાં જોડતો રજ;
ને ઢાંકી જ્ઞાનને જોડે પ્રમાદે તો તમોગુણ. ૯

રજ—તમ દબાવીને સત્ત્વ ઉપર આવતો;
રજોગુણ તમો—સત્ત્વ, તમ તે રજ—સત્ત્વને. ૧૦

જ્યારે આ દેહમાં દીસે પ્રકાશ સર્વ ઇન્દ્રિયે,
ને જ્ઞાન પ્રગટે ત્યારે વધેલો સત્ત્વ જાણવો. ૧૧

કર્મે પ્રવૃત્તિ, આરંભ, લોભ, અશાંતિ, ને સ્પૃહા,
રજોગુણ વધે જ્યારે, ત્યારે આ ઊપજે બધાં. ૧૨

પ્રવૃત્તિ ના, પ્રકાશે ના, દીસે પ્રમાદ, મૂઢતા;
તમોગુણ વધે જ્યારે, ત્યારે આ ઊપજે બધાં. ૧૩

સત્ત્વની વૃદ્ધિ વેળાએ દેહી છોડે શરીર જો;
ઉત્તમ જ્ઞાનવાનોના નિર્મળ લોક મેળવે. ૧૪

કર્મસંગી વિષે જન્મે, તમમાં લય પામતાં.
મૂઢ યોનિ વિશે જન્મે, તમમાં લય પામતાં ૧૫

કહ્યું છે પુણ્ય કર્મોનું ફળ સાત્ત્વિક નિર્મળ;
રજનું ફળ છે દુ:ખ, અજ્ઞાન તમનું ફળ. ૧૬