આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


સત્ત્વથી ઊપકે જ્ઞાન, રજથી લોભ ઊપજે;
પ્રમાદ, મોહ, અજ્ઞાન, ઊપજે તમથી સહુ. ૧૭

ચડે છે સાત્ત્વિકો ઊંચે, રાજસો મધ્યમાં રહે;
હીનવૃત્તિ તમો ધર્મી, તેની થાય અધોગતિ. ૧૮

ગુણો વિના ન કર્તા કો, જ્યારે દૃષ્ટા પિછાણતો,
ત્રિગુણાતીતને જાણે, તે પામે મુજ ભાવને. ૧૯

દેહ સાથે ઊઠેલા આ ત્રિગુણો જે તરી જતો;
જન્મ—મૃત્યુ—જરા—દુ:ખે છૂટી તે મોક્ષ ભોગવે. ૨૦

અર્જુન બોલ્યા—

ક્યાં લક્ષણથી દેહી ત્રિગુણાતીત થાય છે?
હોય આચાર શો તેનો? કેમ તે ત્રિગુણો તરે? ૨૧

શ્રી ભગવાન બોલ્યા--

જ્ઞાન, પ્રવૃત્તિ ને મોહ—તેના ધર્મો શરીરમાં
ઊઠે તો ન કરે દ્વેષ, શમે તો ન કરે સ્પૃહા. ૨૨

જે ઉદાસીન-શો વર્તે ગુણોથી ચળતો નહીં.
વર્તે ગુણો જ જાણીને, રહે સ્થિર ડગે નહીં. ૨૩

સમ સુખેદુ:ખે, સ્વસ્થ, સમલોષ્ટાશ્મકાંચન:
સમ પ્રિયાપ્રિયે, ધીર, સમ નિંદા-વખાણમાં. ૨૪